Mr. Vishnukumar Patel (Principal)
શિક્ષણ અને સંસ્કૃતિ એ એક સિક્કાની બે બાજુઓ છે. જે રીતે વ્યક્તિની સમૃદ્ધિનો આધાર સંપત્તિ ગણાય છે તેવી જ રીતે સંસ્કૃતિનો આધાર મૂલ્ય શિક્ષણ છે. AI ના યુગમાં પ્રવેશી ચૂકેલો માનવી શૂન્યતા અનુભવી રહ્યો છે. આસપાસ બની રહેલી ઘટનાનો મૂક સાક્ષી બની રહયો છે. સુખ અને સંપત્તિ માં વધારો થયો છે પણ શાંતિ અને સંતોષમાં ઘટાડો થયો છે. એટલે જ શિક્ષણનો હેતુ માત્ર જ્ઞાન પ્રાપ્તિ કે બુદ્ધિ વિકાસ પૂરતો મર્યાદિત ન બનાવી શકાય. બાળકોના ચારિત્ર્ય ઘડતર અને સાંસ્કૃતિક નિર્માણની પ્રક્રિયાને આજની શિક્ષણ વ્યવસ્થામાં જોતરવી પડે.
બાળકના સર્વાંગી વિકાસને આખરી ઓપ આપવા શૈક્ષણિક સંસ્થાઓએ સમાજની સાથે ખભે ખભો મિલાવી ઊભા રહેવું પડે એમાં અમારી સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્ય, ગુરુજનો, સેવક ભાઇ બહેન અને વાલી મિત્રો હંમેશા તૈયાર રહે છે. પરિવર્તન સંસારનો નિયમ છે. અમે પણ ચોક અને ડસ્ટર થી સ્માર્ટ ક્લાસ તરફ પ્રયાણ કર્યું છે જેથી બાળકો આંગળીના ટેરવે જ્ઞાન પ્રાપ્ત કરી શકે.
વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ ના ભગીરથ કાર્યમાં અમારી શાળા સહભાગી બને છે. દૈનિક કાર્યમાં પ્રાર્થના સંમેલન, યોગ, રમત ગમત, કળા, નાટ્ય વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. પ્રાર્થના થકી આધ્યાત્મિક, યોગ થકી ધ્યાન, રમત થકી ખેલદિલી, શિક્ષણ થકી જ્ઞાન અને જ્ઞાન થકી કેળવણી જેવાં મૂલ્યો પીરસવામાં આવે છે.
41 વર્ષની શૈક્ષણિક યાત્રામાં શાળાએ અનેક ઉતાર ચડાવ જોયા છે પરંતુ ફલશ્રુતિ ઉત્તમ નાગરિકનું સર્જન જ રહ્યું છે અમારી સંસ્થાએ ઉત્કૃષ્ટ ડોકટર, ઇજનેર, વકીલ, શિક્ષક, નેતા વગેરેની સમાજને ભેટ આપી છે જે મજબૂત રાષ્ટ્રનો આધાર સ્તંભ બન્યા છે. આજના બાળકને સારો નાગરિક બનાવવો એ અમારો મુદ્રાલેખ છે.